Shree Ram Mandir 2024

હ્યુસ્ટન,તા.9 જાન્યુઆરી 2024,મંગળવાર

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારતના જ નહીં પણ વિદેશોમાં રહેતા ભારતીયોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

અમેરિકામાં પણ જય શ્રી રામના નારા લાગી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા હ્યુસ્ટન શહેરમાં ભારતીયોએ આન બાન શાન સાથે એક કાર રેલીનુ આયોજન રવિવારે કર્યુ હતુ. હ્યુસ્ટનના હિન્દુ સમુદાય દ્વારા ભજન કિર્તનની રમઝટ અને જય શ્રી રામના નારા સાથે નીકળેલી કાર રેલી આકર્ષણનુ કેન્દ્ર બની હતી. 

રેલીમાં 500 કરતા વધારે વાહનો જોડાયા હતા. રુટ પર આવતા 11 મંદિરો ખાતે રેલી રોકાઈ હતી. રેલીમાં રામ મંદિર દર્શાવતા ભગવા ધ્વજ સાથે લોકો જોડાયા હતા અને 100 માઈલના રુટ પર રેલી પસાર થઈ હતી. હ્યુસ્ટનના શ્રી મીનાક્ષી મંદિર ખાતેથી રેલી રવાના થઈ હતી અને બપોરે રિચમંડ વિસ્તારના શરદ અંબા મંદિર ખાતે રેલીનુ સમાપન થયુ હતુ. રેલીમાં 2000 કરતા વધારે લોકો જોડાયા હતા. 

રેલીનુ આયોજન હ્યુસ્ટનના અચલેશ અમર, ઉમંગ મહેતા અને અરુણ મુંદ્રાએ કહ્યુ હતુ . વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય એવા અચલેશ અમરનુ કહેવુ હતુ કે, હ્યુસ્ટનના ભારતીયોના દિલમાં ભગવાન રામ વસે છે. આખો માહોલ ભક્તિભાવથી સભર હતો અને એવુ લાગતુ હતુ કે, જાણે હ્યુસ્ટનમાં પ્રભુ શ્રી રામનુ આગમન થયુ છે. 

વિશ્વ હિન્દુ પરિષદ તરફથી મંદિર પ્રશાસને અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ નિમંત્રણ, અયોધ્યાથી આવેલા પવિત્ર ચોખા અને ગંગાજળ તેમજ મિઠાઈઓ ભેટમાં આપવામાં આવી હતી.